નવી દિલ્હી: દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને સમર્થકો જોડાયા હતા.
પ્રદર્શન દરમિયાન પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ, ભરતી પ્રક્રિયાની પારદર્શિતા તેમજ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ ઉઠાવવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ પ્રદર્શનને શાંતિપૂર્ણ રાખવા માટે અપીલ કરી હતી. તેમણે સમર્થકોને તિરંગો, પુસ્તકો અને ફૂલ સાથે આવવા અનુરોધ કર્યો હતો અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવા જણાવ્યું હતું.
જંતર-મંતર ખાતે સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા અગાઉથી મંજૂરી આપવામાં આવ્યા બાદ કાર્યક્રમ યોજાયો હતો. કેટલીક જગ્યાએ તણાવની સ્થિતિ ઉભી ન થાય તે માટે પોલીસે સાવચેતીના પગલાં લીધા હતા.
સોશિયલ મીડિયા પર પણ આ પ્રદર્શનની ભારે ચર્ચા જોવા મળી રહી છે. અનેક યુવાનો આંદોલનને શિક્ષણ અને રોજગારી સંબંધિત પ્રશ્નો પર સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. પ્રદર્શન બાદ પાર્ટીએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.


0 Comments