અમરેલી જિલ્લામાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપી લોકોને છેતરતી સાયબર ગુનેગારોની ટોળકીનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આશરે 20 દિવસ પહેલાં નોંધાયેલી એક સાયબર છેતરપિંડીની ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી મહેનરજી મફાજી ઠાકોરને પાટણમાંથી ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી લોકોનો વિશ્વાસ જીતી શેરબજારમાં રોકાણના નામે મોટી રકમ પડાવી લેતો હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન આરોપીના બેંક ખાતાઓની વિગતો ચકાસતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ માત્ર બે મહિનાના સમયગાળામાં અલગ-અલગ લોકોને શિકાર બનાવી આશરે ₹2 કરોડ 74 લાખ જેટલી રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી.
સામાન્ય રીતે નાની રકમની સાયબર છેતરપિંડી તરીકે દેખાતા આવા કેસોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડો બહાર આવતા હોય છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો દોર આગળ વધાર્યો છે.
પોલીસે નાગરિકોને અજાણી વ્યક્તિઓ અથવા સોશિયલ મીડિયા પર મળતી રોકાણની લાલચભરી ઓફરોથી સાવચેત રહેવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવા અપીલ કરી છે.


0 Comments